પાર્લે પોઈન્ટની જાણીતી ‘બાર્બેક્યુ નેશન’ રેસ્ટોરન્ટ વિવાદમાં
સડેલા બટાકા અને વાસી મશરૂમ પીરસવાનો વીડિયો વાયરલ
વાસી મશરૂમમાંથી દુર્ગંધ આવતા ગ્રાહકનો ભારે હોબાળો
મેનેજમેન્ટ યોગ્ય જવાબ ન આપતા સ્ટાફ કિચન છોડીને ભાગ્યો
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
સુરત શહેરના પાર્લે પોઈન્ટ ખાતે આવેલી જાણીતી રેસ્ટોરન્ટ ‘બાર્બેક્યુ નેશન’ વિવાદમાં સપડાઈ છે.નામાંકિત બ્રાન્ડમાં ખાદ્ય સુરક્ષાના ધજાગરા ઉડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સુરતના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલી જાણીતી રેસ્ટોરન્ટ ‘બાર્બેક્યુ નેશન’ મોટા વિવાદમાં સપડાઈ છે. મોંઘા ભાવ વસૂલીને ગ્રાહકોને ઉત્તમ સર્વિસ અને ક્વોલિટી આપવાનો દાવો કરતી આ નામાંકિત બ્રાન્ડમાં ખાદ્ય સુરક્ષાના ધજાગરા ઉડતા સુરતીઓમાં ભારે રોષ ફેલાયો છે. અહીં આવ્યા પછી ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
રેસ્ટોરન્ટમાં ભોજન કરવા આવેલા ગ્રાહકોને પીરસવામાં આવેલા વાસી મશરૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. ગ્રાહકોએ જ્યારે કિચનમાં જઈને તપાસ કરી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. રસોડામાં કાળા પડી ગયેલા સડેલા બટાકા અને વાસી મશરૂમનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
ગ્રાહકોએ જ્યારે વિરોધ નોંધાવ્યો, ત્યારે મેનેજમેન્ટ યોગ્ય જવાબ આપવાના બદલે સ્ટાફ સાથે કિચન છોડીને ભાગી ગયો હતો. રેસ્ટોરન્ટમાં થયેલા ભારે હોબાળાને કારણે અન્ય ગ્રાહકો પણ ભોજન અડધું મૂકીને ટેબલ પરથી ઊભા થઈ ગયા હતા. હવે જોવાનું એ રહે છે કે લોકોના આરોગ્ય સાથે રમત રમતી આવી નામાંકિત રેસ્ટોરન્ટ સામે ફૂડ વિભાગ કેવા પ્રકારના કડક પગલાં ભરે છે.
