ઝાલોદના રામસાગર તળાવમાં સર્જાય હૃદયદ્રાવક ઘટના
એકને બચાવવા જતાં બીજી બહેન પણ તળાવમાં ગરકાવ
રેસ્ક્યુ ટીમ અને સ્થાનિકોએ બન્ને બહેનોની શોધખોળ કરી
તળાવમાં ડૂબી જતાં 2 સગી બહેનોના કરૂણ મોત નીપજ્યાં
પરિવાર ઘેરા શોકમાં, પોલીસે આગળની કાર્યવાહી આદરી
દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરના રામસાગર તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતાં 2 સગી બહેનોના કરુણ મોત નીપજ્યાં છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઝાલોદના ટીમ્બા વિસ્તારમાં રહેતા ભાવસિંગ માલની 14 વર્ષીય પુત્રી રાધિકા અને 7 વર્ષીય પુત્રી નંદની રામસાગર તળાવ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી.
આ દરમિયાન એક બહેનનો પગ લપસી જતાં અથવા ઊંડા પાણીમાં જતાં તે ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે બીજી બહેન પણ પાણીમાં કૂદી પડતાં બન્ને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે ભેગા થયા હતા, અને તંત્રને જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ, પાલિકાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં સ્થાનિકોની મદદથી તળાવમાં બન્ને બહેનોની શોધખોળ હાથ ધરી હતી.
જોકે, કલાકોની ભારે જહેમત બાદ બન્ને બહેનોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઝાલોદ પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. 2 વ્હાલસોયી દીકરીઓના અચાનક મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે ઘટનાસ્થળે પરિવારજનોના આક્રંદથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
