નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જંગલ અને જમીન સંબંધિત મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનને પત્ર લખી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે સાગબારા વિસ્તારના જંગલ અને જમીનના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ વનમંત્રીને લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય તપાસ કરવામાં આવી નથી.પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ગણેશ વસાવા દ્વારા આશરે 400થી 500 એકર જમીન પર ગેરકાયદેસર ખેડાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખેડાણને રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત મોટા ડુંગર વિસ્તારોમાં વૃક્ષો કાપીને વાવેતર કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ પત્રમાં કરવામાં આવ્યા છે. જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ સાંસદે આક્ષેપ કર્યો છે અને કેટલાક કામો માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

સાંસદે વધુ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે RFOને સારી રેન્જમાં બદલી કરાવવા માટે રૂ.30 લાખ સુધીની રકમ આપવી પડતી હોવાની વાત સામે આવી છે. આ મામલે પણ તપાસની માંગ કરવામાં આવી છે.સમગ્ર મામલે યોગ્ય સમિતિની રચના કરી તમામ આક્ષેપોની તપાસ કરવામાં આવે અને તપાસમાં જવાબદાર જણાય તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનને કરી છે.હવે સાંસદના આ પત્ર બાદ સાગબારા જંગલ અને જમીન મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર છે.