અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન થયું છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. વીરજી ઠુમ્મર છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા અને પોતાના ગામમાં જ રહી સારવાર લઈ રહ્યા હતા.

વિરજી ઠુમ્મરની અંતિમયાત્રા સમયે પુત્રી જેનીબેન ભાવુક થયા હતા અને પિતાના છેલ્લા દર્શન કરી રડી પડ્યા હતા. જેનીબેને પુષ્પ અર્પણ કરી પિતાની અંતિમયાત્રાને કાંધ આપી હતી અને ધર્મરથમાં બેસી સ્મશાન સુધી પણ ગયા હતા.

વીરજી ઠુમ્મરની અંતિમયાત્રામાં ભાજપ નેતા પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.