ભરૂચ જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી બહારના મજૂરો અને કામદારોને રોજગારી આપતા માલિકો, એજન્ટો, દલાલો તથા લેબર કોન્ટ્રાક્ટરો માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, ભરૂચ જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં બહારના મજૂરોને કામે રાખતા એકમોના માલિકો, એજન્ટો અને કોન્ટ્રાક્ટરોએ નિયત ફોર્મમાં કામદારોની જરૂરી વિગતો ભરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં રાજ્ય બહારથી આવી રોજગારી મેળવવાના બહાને વિવિધ સ્થળોએ રોકાતા કેટલાક અસામાજિક તત્ત્વો ગંભીર ગુનાઓને અંજામ આપતા હોવાની ઘટનાઓ સામે આવી છે. આવા બનાવોને રોકવા અને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તથા તેમની વિગતો પોલીસ પાસે ઉપલબ્ધ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિયમ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, ગેસ્ટહાઉસ, ફેક્ટરી, કારખાના, ઈંટના ભઠ્ઠા, બાંધકામ ક્ષેત્ર, ખાણીપીણીની દુકાનો સહિત વિવિધ વ્યવસાયિક સ્થળોએ બહારના કામદારોને રોજગારી આપતા લોકો માટે લાગુ પડશે.

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.