ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘NO DRUGS IN BHARUCH’ અભિયાન અંતર્ગત હાંસોટ પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે. ઘોડાદરા ગામના વસાવા ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન પોલીસે 256 ગ્રામ ગાંજો અને એક મોબાઈલ ફોન જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવાની આગેવાની હેઠળ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન PSI પી.કે. રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોડાદરા ગામના વસાવા ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં કાયદેસરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સરાધભાઈ શિવાભાઈ વસાવાના મકાનમાંથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે તપાસ દરમિયાન કુલ 256 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. 12,800 થાય છે, તેમજ રૂ. 10,000ની કિંમતનો સેમસંગ કંપનીનો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. આમ, કુલ રૂ. 22,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.