અંકલેશ્વરમાં કાર્યવાહી
સ્ટેટ મોનીટરિંગ સેલની કાર્યવાહી
વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
એ.સી.ની આડમાં લઇ જવાતો હતો દારૂ
કુલ રૂ.1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી એસ.એમ.સી ની ટીમે એરકંડિશનર (AC) ના મોટા બોક્સની આડમાં કન્ટેનરમાં સુરત તરફ લઈ જવાતો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને નેશનલ હાઇવે નંબર 48 પરથી સુરત તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે SMC ની ટીમે અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કન્ટેનર આવતાં જ ચાલક પોલીસને જોઈને વાહન રોડ પર જ ઊભું રાખી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે કન્ટેનર ખોલીને તલાશી લેતાં બુટલેગરોની તરકીબ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તપાસકર્તાઓને થાપ આપવા માટે કન્ટેનરની આગળ અને પાછળના ભાગમાં બિલકુલ નવા નક્કોર એ.સી.ના મોટા બોક્સ ગોઠવવામાં આવ્યા હતા, જેથી પ્રથમ નજરે માત્ર ઇલેક્ટ્રોનિક સામાન લઈ જવાતો હોય તેવું લાગે. પરંતુ આ બોક્સની બરાબર પાછળ દારૂની પેટીનો ખડકલો કરવામાં આવ્યો હતો.
પોલીસે વિદેશી દારૂની બોટલો 11,111 નંગ ₹ 45,49,117, એર કંડિશનર AC 111 નંગ ₹ 55,50,000, કન્ટેનર,01 નંગ ₹ 25,00,000 મળી કુલ ₹1.25 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધીને ફરાર કન્ટેનર ચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારોને પકડવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
