પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ
બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શન
ભાદરવી અમાસ અને નવરાત્રીના આગમનનો ભક્તોમાં ઉત્સાહ
પાવાગઢ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યો
અખંડ જ્યોત પ્રગટાવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
પંચમહાલના સુપ્રસિદ્ધ પાવાગઢ ધામમાં ભાદરવી અમાસ અને નવરાત્રીના આગમન પૂર્વે મહાકાળી માતાજીનાં દર્શન માટે ભક્તોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો.
પંચમહાલના સુપ્રસિદ્ધ પાવાગઢ ધામમાં મહાકાળી માતાજીનાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભાદરવી અમાસ અને આસો નવરાત્રીના પ્રારંભ પૂર્વે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી હતી.મોડી રાતથી જ દૂર-દૂરથી મોટી સંખ્યામાં યાત્રિકો માતાજીનાં દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા.
જાણવા મળ્યા મુજબ બે લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને, આગામી નવરાત્રીની તૈયારીઓના ભાગરૂપે પોતાના ઘરે કે મંડળોમાં અખંડ જ્યોત લેવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા હતા. સમગ્ર પાવાગઢ ધામ ‘જય માતાજી’ અને ‘જય અંબે’ના જયઘોષ સાથે સંપૂર્ણપણે ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.
ભક્તોની આ અતિભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
