નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરે શ્રદ્ધા, કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.

પવિત્ર આસો નવરાત્રી મહોત્સવ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરે શ્રદ્ધા, કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. જગત જનની મા હરસિદ્ધિની આરાધના માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ માઇમંદિરે ઉમટી રહ્યા છે.

મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો અને પદયાત્રીઓના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે. મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર પૂજા-અર્ચનાની સામગ્રી, શ્રીફળ અને ચુંદડીના સ્ટોલ સાથે મેળો ધમધમી રહ્યો છે. આ આસો નવરાત્રીના પાવન અવસરે ભક્તો માટે દર્શનની સાથે સાથે એક કલાત્મક આકર્ષણ પણ ઉભું કરવામાં આવ્યું છે.

મંદિરના પ્રાંગણમાં આવેલા હોલના પહેલા માળે એક ભવ્ય રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું છે. નર્મદા જિલ્લાના ઉત્સાહી અને પ્રતિભાશાળી યુવા કલાકારો દ્વારા માઁ હરસિદ્ધિની દિવ્ય આબેહૂબ પ્રતિકૃતિઓ તેમજ માઁ શક્તિના વિવિધ નવ સ્વરૂપોને રંગોળીના માધ્યમથી અત્યંત કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો અને ગ્રામજનો કલાકારોની આ સૂક્ષ્મ સૂઝ અને અદ્ભુત કલાને બિરદાવી રહ્યા છે.