સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી મારામારીની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. સામાન્ય બાબતોમાં પણ લોકો ઉશ્કેરાઈને હિંસા પર ઉતરી આવ્યાના વધુ બે કિસ્સા સામે આવ્યા છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શિવાપાર્ક વિસ્તારમાં મોડી રાત્રે બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી બાદ મામલો આટલેથી ન અટકતા બંને જૂથ વચ્ચે ઉગ્ર મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ઝઘડા દરમિયાન છૂટા હાથની મારામારીની સાથેસાથે લાકડાના ફટકા પણ ઉછળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ રાત્રે જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી તમામની અટકાયત કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી તરફ, સુરત શહેરના જ કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક પેટ્રોલ પંપ પર અજાણ્યા શખ્સો દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાની ઘટના બની છે. પેટ્રોલ પંપ પર અજાણ્યા શખ્સોએ કોઈક કારણસર ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી. આ સમગ્ર અરાજકતા અને મારામારીની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એક પછી એક સામે આવી રહેલી આ પ્રકારની હિંસક ઘટનાઓને પગલે શહેરમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક દાખલારૂપ પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.