૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ચાલનારો પ્રકાશોત્સવ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની રોશનીમય ઝાંખી પ્રસ્તુત કરશે
સરદાર સાહેબના એકતાના મંત્રને સાકાર કરતું ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અભિયાન એકતા પ્રકાશ પર્વથી વધુ વેગવંતુ બનશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
2025માં યોજાયેલા પ્રથમ પ્રકાશોત્સવને મળેલા વ્યાપક જનપ્રતિસાદને પગલે સતત બીજા વર્ષે આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસને રોશનીની કલાત્મક અભિવ્યક્તિમાં રજૂ કરતા ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો એકતાનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી આ પ્રકાશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા-અખંડિતતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનની સ્મૃતિ ચિરંજીવ રાખવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને કેવડિયાનું એકતાનગર નામાભિધાન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબની જન્મ જયંતી 31 ઓક્ટોબરે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વડાપ્રધાનના દિશાદર્શનમાં થાય છે. આ ઉજવણી અંતર્ગત એકતાનગર ખાતે યોજાતી એકતા પરેડ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. દીપોત્સવીના તહેવારોમાં દેશભરના રાજ્યોના લોકો વિશાળ સંખ્યામાં એકતાનગરની મુલાકાતે આવતા હોય છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતને સાકાર કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ, ભારત પર્વ અને દીપોત્સવને વધુ શાનદાર બનાવવાના બહુઆયામી આયોજન સાથે આ પ્રકાશોત્સવનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રને સાકાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પર્વના માધ્યમથી દેશનાં વિવિધ રાજ્યોને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા નાગરિકો પોતપોતાના રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓનો અનુભવ કરી શકે તે માટે દરેક રાજ્યની આગવી સંસ્કૃતિ, કલા, રમતગમત, ખાનપાન અને જીવનશૈલીને ઉજાગર કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય રાજ્યોની વિશિષ્ટતાઓને જાણવાની અને માણવાની પણ તક મળશે તેમજ આ આયોજનથી એકતાની ભાવનાને વધુ બળ મળશે અને દેશની વિવિધતામાં રહેલી એકતાનું સુંદર પ્રતિબિંબ જોવા મળશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
એકતાનગરમાં આશરે ૭.૬ કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત લાઈટિંગ અને ઇલ્યુમિનેશન આ પ્રકાશોત્સવમાં કરવામાં આવ્યું છે. ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં યોજાનારો આ પ્રકાશોત્સવ પ્રવાસીઓને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિથી લઈને આધુનિક ટેકનોલોજી અને વિકાસ સુધીની અનોખી સફરનો અનુભવ કરાવશે.

પ્રકાશોત્સવના ઇન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોન દ્વારા દેશની લોકકલા, સ્થાપત્ય, પરંપરા અને જીવનશૈલીની મનમોહક ઝાંખી રજૂ કરવામાં આવી છે. ઉત્તર ભારતના ઝોનમાં હિમાલયી સંસ્કૃતિ, પંજાબનાં લોકનૃત્યો, રામ મંદિર અને રાજસ્થાની કલા; પૂર્વ ભારતના ઝોનમાં આસામનો બિહુ, ઓડિશાની સ્થાપત્યકલા અને બંગાળની સાંસ્કૃતિક ઓળખ; પશ્ચિમ ભારતના ઝોનમાં ગુજરાતનો ગરબા, કચ્છની હસ્તકલા, રાણી કી વાવ અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ, જ્યારે દક્ષિણ ભારતના ઝોનમાં મીનાક્ષી મંદિર, હમ્પી, કેરળની બોટ રેસ સહિતનાં વિવિધ સાંસ્કૃતિક પ્રતીકોને આકર્ષક પ્રકાશ રચનાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે.
આઉટડોર વિભાગમાં ૧૧ મુખ્ય સેક્શન હેઠળ રોશનીની કલાત્મક રચનાઓ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. ‘ભારત – સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, પ્રકાશિત મૂર્તિઓ, દીપ સુરંગ, રંગબેરંગી ફુગ્ગાઓ, પ્રકાશિત પુષ્પો અને યોગ જેવી થીમ્સ દ્વારા ભારતની સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યોને જીવંત કરવામાં આવ્યાં છે.
આ બેય વિભાગો ઉપરાંત વડાપ્રધાનએ આપેલા “વિકાસ ભી, વિરાસત ભી”ના ધ્યેય મંત્રને અનુરૂપ મહિલા સશક્તિકરણ, આધુનિક ભારત, ‘ધાગો કી સુરંગ’, સુરક્ષા દળોની શૌર્યગાથા તથા અવકાશ અને ટેકનોલોજી આધારિત પ્રકાશ રચનાઓ દ્વારા ભારતની પ્રગતિ, નારીશક્તિ અને રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું છે. બાળકોને આકર્ષવા માટે પશુઓ, મશરૂમ અને જળચર દુનિયા આધારિત કલાત્મક પ્રકાશ રચનાઓ પણ તૈયાર કરવામાં આવી છે.
એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના માર્ગ સહિત લાઈટિંગ પોલ, ગેન્ટ્રી મોટિફ, પ્રવાસન સ્થળો અને વિવિધ થીમ આધારિત પ્રકાશિત આર્ટિકલ્સ દ્વારા એકતાનગરને રોશનીથી ઝળહળતું બનાવવામાં આવ્યું છે. માર્ગ પરની ઇમારતો અને વૃક્ષોને પણ રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવ્યાં છે, જે પ્રવાસીઓને રાત્રિના સમયે મનમોહક દૃશ્યનો અનુભવ કરાવશે.

આ ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ અને આધુનિક વિકાસને પ્રકાશની કલાત્મક રજૂઆત સાથે જોડતો અનોખો ઉત્સવ છે. ત્રણ મહિના સુધી ચાલનારો આ પ્રકાશોત્સવ એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં નવો ઉમેરો કરશે અને દેશ-વિદેશના પ્રવાસીઓને ભારતની વિવિધતા, કલા, સંસ્કૃતિ અને વિકાસની રોશનીમય ઝાંખીનો યાદગાર અનુભવ કરાવનારો બની રહેશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ, એ. ડી. જી. પીયુષ પટેલ, પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્ય, ગૃહ વિભાગના સચિવ હર્ષિત ગોસાવી, માર્ગ અને મકાનના સચિવ પી. આર. પટેલિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા, જિલ્લા કલેકટરશ્રી ગંગા સિંઘ, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ સહિત વહીવટ તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
