ભરૂચના સાયખાની સિનઝીલ કંપનીમાં મીનેલીન ડાય ક્લોરાઇડ તેમજ મોર્ફીલીન નામના બે કેમિકલ મિક્ષ કરી તેનું હાઇડ્રોજીનેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાં બ્લાસ્ટ થયો હતો.આ ઘટનામાં 5 કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે 5 કામદારો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાને પગલે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

બીજી તરફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા ઘટના બનવાનુું સાચું કારણ શોધવા માટેની કવાયત હાથ ધરાઇ છે. કંપનીમાં આ પહેલાં 14 પ્રોડક્ટનું વર્ક પૂર્ણ કરવામાં આવ્યું હતું. હવે, 15મી વાર થઇ રહેલી પ્રક્રિયામાં બ્લાસ્ટ થતાં તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. સિસ્ટમમાં કોઇ ક્ષતિ હોત તો અગાઉના 14 પ્રોડક્ટની કામગીરી વેળાં તે સામે આવ્યાં હોત. જેથી હાલના તબક્કે ઇમ્યુરીટીવાળા કેમિકલનો ઉપયોગ થવાને કારણે ઘટના બની હોવાની પ્રાથમિક શક્યતાઓ છે.

ડીશની ટીમે સ્થળ પરથી વિવિધ પ્રકારના કેમિકલના સેમ્પલ મેળવી તેને એફએસએલની ટીમને સોંપ્યાં છે. તેના રિપોર્ટના આધારે પણ તપાસને દિશા મળી શકે તેવી આશા સેવાઇ રહી છે. બીજી તરફ જીપીસીબીની ટીમ કંપની સામે પર્યાવરણીય નુકશાન સહિતના પાસાઓને લઇને તપાસ કરી અહેવાલ તૈયાર કરવામાં જોતરાઇ છે. ત્યારે પોલીસ, જીપીસીબી તેમજ ડિસ્ટ્રીક્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ (ડીશ)ની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલાં રિપોર્ટસના આધારે મામલામાં કોઇની ગંભીર બેદરકારીની ભુમિકા હતી કે કેમ તે સહિતના પાસાઓ તપાસવામાં આવશે.