અગરતલાથી કોલકાતા જઈ રહેલી એક ભારતીય એર એમ્બ્યુલન્સમાં ઉડાન દરમિયાન અચાનક તકનીકી ખામી સર્જાઈ હતી. જેના કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય એર એમ્બ્યુલન્સનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કારણ કે, 12 હજાર ફૂટની ઊંચાઈએ ભારતીય એર એમ્બ્યુલન્સનો દરવાજો ખૂલી ગયો હતો. વિમાનમાં સવાર 56 વર્ષીય મહિલા દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું, જ્યારે વિમાનમાં સવાર અન્ય 6 વ્યક્તિઓ સુરક્ષિત છે. આ ઘટના ગત રવિવારે બની હતી, જેમાં ‘બીચક્રાફ્ટ કિંગ એર C90A’ (Beechcraft King Air C90A) પ્રકારનું વિમાન સામેલ હતું.
જ્યારે વિમાન ઊંચાઈ પર હતું, ત્યારે તકનીકી ખામીને કારણે તેનો એક દરવાજો હવામાં જ આંશિક રીતે ખૂલી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, પાઈલટે ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી અને મંજૂરી મેળવી હતી.
વિમાન બપોરે ઢાકા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. જોકે, મહિલાનું મૃત્યુ તકનીકી ખામીને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લીધે થયું કે, પછી તેમની અગાઉની ગંભીર બીમારીને કારણે, તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ માટે અગાઉથી કોઈ મંજૂરી ન હોવા છતાં, બાંગ્લાદેશી સત્તાવાળાઓએ માનવીય ધોરણે વિમાનને ઉતરવાની તાત્કાલિક પરવાનગી આપી અને તમામ શક્ય મદદ પૂરી પાડી.
આ ઘટના બાદ, ઢાકામાં ભારતીય હાઈ કમિશને જરૂરી રાજદ્વારી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશી સત્તાવાળાઓ સાથે સંકલન સાધ્યું. આ એર એમ્બ્યુલન્સનું સંચાલન ભારતીય કંપની ‘SKB ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા કરવામાં આવે છે.
