આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા, ટીવી અને મોબાઈલના અતિશય વપરાશથી દૂર રહે અને તેમનામાં સામાન્ય જ્ઞાનનો વિકાસ થાય તેવા શુભ આશય સાથે ભરૂચ ખાતે એક વિશેષ પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં બી.ઈ.એસ. યુનિયન હાઈસ્કૂલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. શાળા સંકુલમાં આયોજિત આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)ને લગતા ૧૦૦ જેટલાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધે, તેમનું બૌદ્ધિક કૌશલ્ય ખીલે અને તેઓ ટેકનોલોજીના દૂષણથી દૂર રહી પોતાના જ્ઞાનમાં વધારો કરે તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો. શાળા પરિવાર અને આયોજકોના સુચારુ સંકલન થકી સમગ્ર પરીક્ષા ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
