મોરચંદ ગામ નજીક વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત 

PGVCL અને GETCO ની ગંભીર બેદરકારી સામે આક્ષેપ

અચાનક પાવર શરૂ થતા હોનારત સર્જાય હોવાનો આક્ષેપ

બંધ વીજ પુરવઠો અચાનક ચાલુ કરી દેવાયો

ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ, ન્યાયની માંગ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં વીજ તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ ખેડૂતે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોવાની ગંભીર ઘટના બની હતી.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં વીજ તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ ખેડૂતે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ઘોઘાના મોરચંદ ગામ નજીક આવેલ રાણાધાર વિસ્તારમાં પોતાની વાડીએ કામ કરી રહેલા ખેડૂત કલ્પેશ બારૈયાનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

જાણવા મળ્યા મુજબ મામસા ફીડર હેઠળના આ વિસ્તારમાં સવારથી બપોર સુધી વીજ કાપ રાખવામાં આવ્યો હતો. આ વીજ કાપ દરમિયાન ખેડૂત વૃક્ષ કાપવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે જ કોઈ પૂર્વ સૂચના કે યોગ્ય ચકાસણી વગર અચાનક જ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં કલ્પેશ કરંટની ચપેટમાં આવી ગયા હતા અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.

આ કરુણ દુર્ઘટના બાદ PGVCL અને GETCO ની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વીજ પુરવઠો શરૂ કરવાની પ્રક્રિયામાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ક્યાંક ઘોર બેદરકારી દાખવવામાં આવી છે કે નહીં તેની તટસ્થ તપાસ કરવાની પ્રબળ માંગ ઉઠી છે. મૃતક ખેડૂતના શોકગ્રસ્ત પરિવારે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી છે.