દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા અટકે તે હેતુથી ભરૂચની હાંસોટ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાંસોટ ખાતે આવેલી કુમાર પ્રાથમિક શાળામાં હાંસોટ પોલીસ મથકના પી.આઈ. નયન વસાવાના માર્ગદર્શન હેઠળ આ સેમિનાર યોજાયો હતો. જેમાં એએસઆઈ એ.આર. ભરવાડ તથા આઈટી વિભાગના અભીભાઈએ ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સેમિનાર દરમિયાન સાયબર ગુનાઓથી કેવી રીતે બચી શકાય, ઓનલાઇન છેતરપિંડીથી સાવચેત રહેવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન ઓનલાઇન ખરીદી, નકલી લિંક, અજાણી વ્યક્તિના ફોન અને વિવિધ પ્રકારની ડિજિટલ છેતરપિંડીથી સાવચેત રહેવા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સેમિનારના માધ્યમથી નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધે અને તેઓ સાયબર ગુનાઓથી પોતાનું રક્ષણ કરી શકે તેવા હેતુથી હાંસોટ પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.