જહાંગીરપુરામાં કેમિકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

હાઇવે પર ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ

3 આરોપી પકડાયા, 2 ટેન્કર ચાલક સહિત 3 ફરાર

ટેન્કરમાંથી કેમિકલ કાઢી સસ્તા ભાવે વેચવાનો ખેલ ફ્લોપ

જહાંગીરપુરા પોલીસની કાર્યવાહીથી કેમિકલ ચોરોમાં ફફડાટ

સુરતના જહાંગીરપુરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી.  

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી કેમિકલ ચોરી કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જહાંગીરપુરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ કૌભાંડીઓ ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢીને અન્ય વાહનોમાં ભરી સસ્તા ભાવે વેચવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા.

પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બે ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે સપાટો બોલાવીને કુલ રૂપિયા 1 કરોડ 20 લાખ ,92 બાણું હજાર 491નો વિશાળ મુદ્દામાલ કબજે કર્યો છે. આ મુદ્દામાલમાં બે કેમિકલ ટેન્કર, એક ટ્રક, કેમિકલ ભરેલા ડ્રમ, મોબાઈલ ફોન અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે.

આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ટેન્કરના બે ચાલકો સહિત અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, તેમજ ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.