સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે આવેલા મામાના મંદિર નજીક એક માલગાડી અચાનક પાટા પરથી નીચે ખડી પડી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં માલગાડી હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ રેલવે ટ્રેકને મોટું નુકસાન પહોંચ્યું છે.
માલગાડી પાટા પરથી ખડી પડવાના કારણે મુખ્ય રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઈન પરનો સમગ્ર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અકસ્માતને કારણે આ રૂટ પરથી પસાર થતી અનેક પેસેન્જર તેમજ એક્સપ્રેસ ટ્રેનોની અવરજવર પર માઠી અસર પડી છે. ખાસ કરીને વિરમગામ તરફથી આવતી લાંબા અંતરની ટ્રેનો તેમજ રાજકોટ તરફ જતી ટ્રેનો પ્રભાવિત થવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેને પગલે મુસાફરોને ભારે રઝળપાટ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલ વ્યવહાર પ્રભાવિત થતા 7 ટ્રેનોને ડાયવર્ટ કરાયેલા માર્ગે ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ભાવનગર ટર્મિનસ–સુરેન્દ્રનગર વચ્ચે દોડતી 2 પેસેન્જર ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
