ફેશન અને સૌંદર્યની સાડીઓ માટે જાણીતું સુરત શહેર

સરહદ પર જવાનો માટે અભેદ્ય સુરક્ષા કવચ બનાવ્યું

અત્યાધુનિક ‘ડિફેન્સ ફેબ્રિક’નું નિર્માણ કરવામાં આવ્યું

‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊંચાઈ અપાય

દેશની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ વૈશ્વિક બજારમાં નિકાસ

સિન્થેટિક કાપડના હબ તરીકે ઓળખાતું સુરત હવે વિદેશો પરની નિર્ભરતા ઘટાડીને ‘ડિફેન્સ ફેબ્રિક’નું નિર્માણ કરી ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊંચાઈ આપી રહ્યું છે.

ફેશન અને સૌંદર્યની સાડીઓ માટે જાણીતું સુરત હવે સરહદે તહેનાત દેશના વીર જવાનો માટે અભેદ્ય સુરક્ષા-કવચ તૈયાર કરી રહ્યું છે. વિદેશો પરની નિર્ભરતા ઘટાડીને, સુરતનું ટેક્સટાઇલ માર્કેટ અત્યાધુનિક ‘ડિફેન્સ ફેબ્રિક’નું નિર્માણ કરી ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને નવી ઊંચાઈ આપી રહ્યું છે.

સિન્થેટિક કાપડના હબ તરીકે ઓળખાતું સુરત હવે સંરક્ષણ ક્ષેત્ર માટે અતિ મજબૂત ટેક્નિકલ ફેબ્રિક બનાવી રહ્યું છે. લક્ષ્મીપતિ ગ્રૂપ જેવા સ્થાનિક અગ્રણી એકમોએ પરંપરાગત વણાટકામથી એક ડગલું આગળ વધીને સેનાની વિશિષ્ટ જરૂરિયાતો મુજબનું સુરક્ષાત્મક કાપડ તૈયાર કરવાની સફળ પહેલ કરી છે. અગાઉ આ વિશિષ્ટ ફેબ્રિક વિદેશથી ઊંચા ભાવે આયાત કરવું પડતું હતું, પરંતુ રાજ્ય સરકારની પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિના સહારે હવે તેનું ઉત્પાદન સુરતમાં જ શક્ય બન્યું છે.

જોકે, સુરતમાં જ્યોર્જેટ અને શિફૉનની સાડીઓ બનાવતા કારીગરો આજે હાઈ-ટેન્સાઈલ ક્ષમતા ધરાવતા ખાસ નાયલૉન યાર્નનું પ્રોસેસિંગ, સ્પેશિયલ કેમિકલ ટ્રીટમેન્ટ અને ડાઇંગ કરીને સેના માટે અત્યંત મજબૂત અને ટકાઉ કાપડ તૈયાર કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ સર્જાઈ છે. આધુનિક ટેક્નોલૉજી અને કુશળ માનવબળના સમન્વયથી સુરત સંરક્ષણ ઉત્પાદનનું નવું કેન્દ્ર બની રહ્યું છે. દેશની જરૂરિયાતો પૂર્ણ કર્યા બાદ હવે વૈશ્વિક બજારમાં આ ડિફેન્સ ફેબ્રિકની નિકાસ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.