અમદાવાદમાં દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવા પહોંચેલી ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુરૂવારે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શાહિબાગથી ઇન્દિરા બ્રિજ વિસ્તાર સુધી દારૂ ભરેલી ગાડીનો પીછો કરતી વખતે ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જોકે, ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
પ્રાથમિક માહિતી મુજબ, SMCને શાહિબાગ વિસ્તારમાં આવેલા ખંડુભાઈ હોલ પાસે દારૂનો જથ્થો એક વાહનમાં ખસેડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે SMCની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડીમાં સવાર શખ્સોને પોલીસની હાજરીની જાણ થતાં તેઓ વાહન લઈને ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ SMCની ટીમે શાહિબાગથી ઇન્દિરા બ્રિજ તરફ તેમનો પીછો શરૂ કર્યો હતો.
પીછો કરતા કરતા SMCની ટીમ ઇન્દિરા બ્રિજ નજીક સરસ્વતી પાર્ક સોસાયટીના વિસ્તારમાં પહોંચી હતી. અહીં પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાડીમાં સવાર શખ્સોએ પોલીસકર્મીઓ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. પરિસ્થિતિને પગલે SMCના એક અધિકારીએ હવામાં એક રાઉન્ડ ગોળી ચલાવી હતી. ફાયરિંગ છતાં આરોપીઓ ગાડી લઈને ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઇન્દિરા સર્કલ નજીક ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસકર્મીઓએ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
