ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રેલ જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અધિકારીઓએ મુસાફરો સાથે સંવાદ કરી તેમના અભિપ્રાયો મેળવ્યા હતા. ભારતીય રેલવે દ્વારા સ્વચ્છતા અને મુસાફરોની સુવિધાઓમાં સુધારો લાવવાના હેતુથી ચલાવવામાં આવી રહેલા ‘સ્પેશિયલ કેમ્પેન 6.0’ અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.

‘આપકી બાત, હમારા પ્રયાસ, બેહતર કલ’ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રેલવે અધિકારીઓએ મુસાફરો સાથે સીધો સંવાદ સાધી સ્ટેશનની સ્વચ્છતા, પાયાની સુવિધાઓ અને વિકાસકાર્યો અંગે તેમના અભિપ્રાયો તથા સૂચનો મેળવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુસાફરોએ સ્ટેશન પરિસરની સ્વચ્છતા, બેઠક વ્યવસ્થા, પ્લેટફોર્મ પર શેડ સહિતની સુવિધાઓમાં વધારો કરવા અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. રેલવે પ્રશાસને મુસાફરો દ્વારા રજૂ કરવામાં આવેલા સૂચનોની નોંધ લઈ, સુવિધાઓમાં જરૂરી સુધારા કરવા માટે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

ભરૂચ રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને હાલ 12 મીટર પહોળા નવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ કામને વહેલી તકે પૂર્ણ કરવા માટે કામગીરીમાં ઝડપ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયા અને ગુડ્સ શેડમાં સુધારાઓ કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું હતું.

મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર સંપૂર્ણ કવર શેડની સુવિધા ઊભી કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે. સાથે જ સ્ટેશન પર બેસવાની વ્યવસ્થા બમણી કરવા અંગે મળેલા સૂચનને પણ ધ્યાને લેવામાં આવ્યું છે.

આ સુવિધાઓના વિકાસથી મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળે તેવો પ્રયાસ કરવામાં આવશે.દરમિયાન, ભરૂચ રેલવે સ્ટેશન પર તાજેતરમાં શરૂ કરવામાં આવેલી નવી ડિજિટલ લાઉન્જ સુવિધાને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું રેલવે તંત્રએ જણાવ્યું હતું.આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ મંડળ અધિકારી રાકેશકુમાર, સહાયક મંડળ અધિકારી હરીશ રાઠોડ અને  સ્ટેશન માસ્ટર પિલ્લાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પણ. રેલવે વિભાગ દ્વારા રેલ જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા ડિવિઝનનાં રેલવે અધિકારી રીની દેવી ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન મુસાફરો અને શાળાનાં બાળકોને સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

રેલવે સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે અને મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ રેલવે સ્ટેશન પર કચરો ન ફેલાવવા અને આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત રેલવે સ્ટેશનના વિકાસ અને મુસાફરોને મળતી સુવિધાઓ અંગે રેલવે અધિકારીઓએ મુસાફરો સાથે સંવાદ કર્યો હતો. મુસાફરોની સમસ્યાઓ, સૂચનો અને રેલવે સ્ટેશન પર સુવિધાઓમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી.