પ્રગતિશીલ ખેડૂતે વિદેશી ફળની ખેતીમાં મેળવી સફળતા

વિદેશી ફળ ‘એવોકાડો’ની ખેતી કરી લાખોની કમાણી મેળવી

ખેડૂત આધુનિક પદ્ધતિથી એવોકાડો વાવી પ્રેરણાદાયી બન્યા

રાજ્યભરના ખેડૂતો માટે અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું

એવોકાડોની વૈજ્ઞાનિક ખેતી કરી ખેડૂતોમાં જગાવી નવી આશા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોડિયા ગામના ખેડૂત દાનુભાઈ સોલંકીએ વિદેશી ફળ એવોકાડોની આધુનિક તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે,અને તેમણે લાખોની કમાણી કરવાની સાથોસાથ સમગ્ર રાજ્યના ખેડૂતો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માટી સાથે જોડાયેલી કોઠાસૂઝ અને અડગ ઈરાદો જ્યારે એક થાય, ત્યારે પરંપરાગત ખેતી પણ સમૃદ્ધિનું માધ્યમ બની જાય છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોડિયા ગામના ખેડૂત દાનુભાઈ સોલંકીએ આ કરી બતાવ્યું છે. વિદેશી ફળ એવોકાડોની આધુનિક તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી તેમણે લાખોની કમાણી કરવાની સાથોસાથ સમગ્ર રાજ્યના ખેડૂતો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોડિયા ગામના દાનુભાઈ સોલંકીએ બાગાયતી યોજનાઓ અને સુવ્યવસ્થિત સિંચાઈના સમન્વયથી એવોકાડોનું વિપુલ ઉત્પાદન મેળવીને ખેતીને એક નફાકારક વ્યવસાયમાં ફેરવી નાખી છે.

ત્રણ-ચાર વર્ષ પહેલાં 50 રોપાઓથી શરૂ થયેલા વાવેતરમાંથી હાલ 15 વૃક્ષો ફળ આપી રહ્યાં છે, જેમાં પ્રત્યેક વૃક્ષ દીઠ સરેરાશ 60 કિલો જેટલું ઉત્પાદન મળે છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળ બજારમાં રૂપિયા 800 થી રૂપિયા 1500  પ્રતિ કિલોના ઉંચા ભાવે હાથોહાથ વેચાય છે. આ સફળ પ્રયોગની બારીકીઓ સમજવા હવે આસપાસના ખેડૂતો પણ તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે.

નેટહાઉસ અને ટપક સિંચાઈ જેવી આધુનિક તકનીકોના સુચારુ ઉપયોગ થકી દાનુભાઈએ સાબિત કરી દીધું છે કે, સાચી દિશા અને નવતર અભિગમ જ ધરતીપુત્રોને સમૃદ્ધિના શિખરે પહોંચાડી શકે છે.