સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચના છટકામાં PGVCL ના કર્મચારીને ઝડપી પાડ્યો છે. ચોટીલા સબ ડિવિઝન-2માં વર્ગ-4 ના હેલ્પર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય બીપીન ભરતભાઈ પારેજીયા રૂપિયા 60 હજારની લાંચ સ્વીકારતા ઝડપાયા છે. વીજચોરીનો દંડ ભરવાથી બચાવવા અને વાડીમાં વીજ મીટર ફરી લગાવી આપવાના બદલામાં રૂપિયા 70 હજારની લાંચ માગવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ACBની ફરિયાદ મુજબ, આરોપી બીપીન પારેજીયાએ ફરિયાદીની વાડીમાં વીજ ચેકિંગ કર્યું હતું.આ દરમિયાન વાડીમાં લગાવવામાં આવેલું PGVCL નું વીજ મીટર તેઓ પોતાની કચેરીએ લઈ ગયા હતા. ત્યારબાદ ફરિયાદી પોતાનું વીજ મીટર ફરીથી વાડીમાં લગાવવા માટે આરોપીની કચેરીએ રૂબરૂ પહોંચ્યા હતા અને આ અંગે રજૂઆત કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીએ મીટર પરત લગાવવા રજૂઆત કરતાં આરોપીએ તેમને વીજચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ કારણસર મીટર કચેરીએ લાવવામાં આવ્યું હોવાનું કહી દંડ ભરવાની વાત કરી હતી. જોકે, જો ફરિયાદી વીજચોરીનો દંડ ભરવા ન માંગતા હોય અને મીટર ફરી વાડીમાં લગાવવું હોય તો તેના બદલામાં રૂપિયા 70 હજારની લાંચ માગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા નહોતા. તેથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા આરોપીને ઝડપી પાડવા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
25 ઓક્ટોબર, 2026ના રોજ ચોટીલા ગ્રામ્ય-2ની PGVCL કચેરીમાં ACBએ છટકું ગોઠવ્યું હતું.ટ્રેપ દરમિયાન આરોપી બીપીન પારેજીયા રૂપિયા 60 હજારની લાંચ માંગી સ્વીકારતા ઝડપાયા હતા.ACBએ લાંચની સંપૂર્ણ રૂપિયા 60 હજારની રકમ રિકવર કરી હતી.
