અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન
યોગ બોર્ડ દ્વારા આયોજન કરાયું
સૂર્ય નમસ્કારના સામુહિક પ્રયોગ કરાયા
1200 યોગ સાધકો જોડાયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1200 જેટલા યોગ સાધકોએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર GIDC ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ડી.એ. આનંદપુરા કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 1200 જેટલા યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.લોકો સૂર્ય નમસ્કારને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે અને યોગ પ્રત્યે જાગૃતિ કેળવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારની ગુલાબી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં યોગ સાધકો એકસાથે સૂર્ય નમસ્કાર કરતા નજરે પડ્યા હતા.સૂર્ય નમસ્કાર એ શરીર અને મનને સ્વસ્થ રાખતી સંપૂર્ણ યોગક્રિયા માનવામાં આવે છે. તેના નિયમિત અભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ મજબૂત બને છે અને શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ મળે છે. આ ઉપરાંત પાચનક્રિયા સુધારવા, શરીરની ઊર્જા વધારવા, વજન નિયંત્રણમાં રાખવા તેમજ તણાવ અને માનસિક થાક ઘટાડવામાં પણ સૂર્ય નમસ્કાર લાભદાયી બની શકે છે.સૂર્ય નમસ્કારના વિવિધ આસનો શરીરના અનેક સ્નાયુઓને સક્રિય કરે છે. સાથે જ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત થવાથી એકાગ્રતા અને માનસિક શાંતિ જાળવવામાં મદદ મળે છે.યોગ સાધકોએ પણ રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કારનો સમાવેશ કરી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
