ભરૂચ એસટી. વિભાગ દ્વારા સુંદર આયોજન કરાયું
દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને આયોજન
મુસાફરો માટે વધારાની એસટી. બસોને દોડાવશે
એક્સ્ટ્રા ટ્રીપના સંચાલન થકી લોકોને મોટી રાહત
વધુમાં વધુ મુસાફરોને સેવાનો લાભ લેવા અપીલ
દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વધારાની એસટી. બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળી તહેવારોની ઉજવણીની શરૂઆત આગામી અગિયારસથી થવાની છે, ત્યારે તા. 4, 5, 6 અને 7 નવેમ્બર-2026 દરમ્યાન ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ-ભરૂચ વિભાગ દ્વારા મુસાફરો માટે વિશેષ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર તરફના રત્ન કલાકારો અને દાહોદ તરફના શ્રમજીવીઓને સુરક્ષિત રીતે પોતાના વતન જવા માટે વધારાની બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ભોલાવ એસટી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દિવાળી દરમ્યાન ભરૂચ ભૌલાવ બસ સ્ટેન્ડ, GNFC સ્ટેન્ડ તેમજ અંકલેશ્વર GIDC સ્ટેન્ડ પરથી પણ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
એટલું જ નહીં, એસ.ટી. આપના દ્વારે સૂત્રને સાર્થક કરતાં એસટી. વિભાગે 52થી વધુ મુસાફરોને જો બસની માંગણી હશે તો તેવા શ્રમયોગીઓને તેમના કાર્યસ્થળ પરથી સીધા તેમના વતન એટલે તેમના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે, ત્યારે વધુમાં વધુ મુસાફરોને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ-ભરૂચ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
