પુણાગામમાં મહાનગરપાલિકા સામે આક્રોશ

અધૂરા ડિમોલેશન અને રસ્તાના મુદ્દે રહીશોનો ભારે વિરોધ  

માતૃશક્તિ,નંદનવન,દીપમાલા સોસાયટીના રહીશોમાં આક્રોશ

ડીમોલેશન કર્યા બાદ રસ્તો ન બનતા અકસ્માતનો ભય

રસ્તા વચ્ચે ઉભેલા વીજપોલ બની રહ્યા છે મુસીબત

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશો દ્વારા મહાનગરપાલિકાની બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશો દ્વારા મહાનગરપાલિકાની બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પુણાગામમાં આવેલી માતૃશક્તિ, નંદનવન અને દીપમાલા સોસાયટી સહિત આસપાસના વિસ્તારના રહીશોએ એકઠા થઈને પાલિકા સામે પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા રસ્તો ખુલ્લો કરવા માટે અગાઉ ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ડીમોલેશન કર્યા બાદ આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે અને હજુ સુધી નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી.

રહીશોનું કહેવું છે કે આ સમસ્યા અંગે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આ અધૂરા રસ્તાની વચ્ચે જ વીજપોલ ઊભેલા હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે.

અંધારામાં વીજપોલ ન દેખાવાના કારણે અગાઉ પણ નાના-મોટા બનાવો બની ચૂક્યા છે. સ્થાનિક રહીશોએ ચીમકી આપી છે કે જો પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે વીજપોલ હટાવીને રસ્તાનું કામ પૂરું કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.