રાજ્યમાં ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો કે ખાસ ચિન્હો દર્શાવી જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની વધતી પ્રવૃત્તિ પર રોક લગાવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, બસ કે ટ્રક સહિત કોઈપણ ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો કે આકૃતિઓ પ્રદર્શિત કરી શકાશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મોટર વ્હીકલ નિયમ, 1989માં સુધારો કરીને આ જોગવાઈ અમલમાં મૂકી છે.
રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર રીતે ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026 જારી કરવામાં આવ્યો છે. આ નવા સુધારામાં મોટર વાહન નિયમોના નિયમ 125ના પેટાનિયમ (1)માં અગાઉ રહેલા ‘No advertising device, figure’ શબ્દોના સ્થાને હવે ‘No advertising device, caste signage, figure’ ઉમેરવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે કે વાહનો પર હવે જાતિસૂચક શબ્દો કે ખાસ ચિન્હો દર્શાવી શકાશે નહીં
આ સિવાય નિયમ 138માં એક નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. જે અંતર્ગત, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિન્હ, આકૃતિ કે લખાણ દર્શાવી શકાશે નહીં.
