24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગગડીને 1.21 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે અને આજે એક જ દિવસમાં સોનું 6 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને શુક્રવારે પણ ભારતીય બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જોકે, ભારતમાં લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે, ત્યારે ઘરેણાં ખરીદવા ઇચ્છતા લોકો માટે આ ભાવઘટાડો મોટી રાહત સમાન છે.

શુક્રવારે વૈશ્વિક સંકેતો અને અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે. ચાંદી 10 હજાર રૂપિયાથી વધુ સસ્તી થઈને 1,46,868 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જેમાં 7 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. થોડા અઠવાડિયા પહેલાં કોઈએ ધાર્યું નહોતું કે ચાંદી 1.50 લાખ રૂપિયાથી નીચે સરકી જશે, જ્યારે જાન્યુઆરીમાં ચાંદી 4.21 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી, જેની સરખામણીમાં તે 2.75 લાખ રૂપિયા કિલો સસ્તી થઈ છે.

બીજી તરફ સોનામાં પણ 5 ટકાનો મોટો ઘટાડો થયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1.21 લાખ રૂપિયા સુધી આવી ગયો છે અને આજે તેમાં 6 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં સોનાનો ભાવ 1.91 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચાઈએ પહોંચ્યો હતો, જ્યાંથી તે અંદાજે 70 હજાર રૂપિયા સસ્તું થયું છે.