‘નશામુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી

LCB પોલીસને નશાના કારોબાર સામે મળી મોટી સફળતા

ખારેલ ઓવરબ્રિજ પાસે પોલીસ દ્વારા ગોઠવાય હતી વોચ

રૂ. ૩.28 કરોડની કિંમતના હાઇબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત

4 શખ્સોને દબોચી લીધા, 9 શખ્સો વોન્ટેડ જાહેર કરાયા

નવસારી જિલ્લા પોલીસને નશાના કારોબાર સામે મોટી સફળતા મળી છે. ‘નશામુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ નવસારી LCB પોલીસે ખારેલ ઓવરબ્રિજ પાસેથી રૂ. ૩ કરોડ 28 લાખથી વધુની કિંમતના હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે 4 આરોપીઓને દબોચી લીધા છે.

નવસારી LCB પોલીસે ચોક્કસ બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી કાળા રંગની થાર અને સફેદ રંગની ક્રેટા કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 9 કિલો 375 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ‘OG’ તરીકે ઓળખાતા આ હાઇબ્રીડ ગાંજાની કિંમત રૂ. ૩ કરોડ 28 લાખ 12 હજાર 500 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત બન્ને કાર, 7 મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ. ૩ કરોડ 56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઝડપાયેલો મુખ્ય આરોપી પ્રમોદ પાઠક હાલ બેંગકોક-થાઈલેન્ડમાં રહેતા ‘રોની’ નામના શખ્સના સંપર્કમાં હતો. વિદેશથી મુંબઈ રૂટ મારફતે આ હાઇબ્રીડ ગાંજો વાપી લાવવામાં આવતો હતો, અને ત્યાંથી વડોદરા સહિત ગુજરાતના અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતો હતો. આરોપીઓ વડોદરાના જયંતી નામના શખ્સને માલની ડિલિવરી આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હાલ પોલીસે પ્રમોદ પાઠક, વિષ્ણુ સિંહ, પ્રેમચંદ ઉર્ફે રાહુલ યાદવ અને મીકેત પટેલની ધરપકડ કરી છે, જ્યારે બેંગકોક સ્થિત રોની, મુંબઈના ક્રિષ્ના તેમજ વાપી અને દમણના મળી કુલ 9 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.