રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેર અને તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નાગરિકોએ વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં તાલુકા કક્ષાએ 15 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.ભરૂચ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન અરજદારો દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર-કંથારિયા ખાતેની અનિયમિતતા, જમીન, મકાન, પાણી, દબાણ અને પ્રદૂષણ સહિતના વિવિધ પ્રશ્નો અંગે કુલ 15 રજૂઆતો કરવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી સ્થળ પર જ વિગતો મેળવી હતી. નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

બીજી તરફ, ભરૂચ સીટી મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષસ્થાને શહેરી વિસ્તારનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી વિસ્તારના અરજદારો દ્વારા કુલ 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. નાયબ કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા સૂચના આપી હતી.
