આજે સાંજ ના અરસામાં વાગરા તાલુકામાં આવેલ કેશવાણ અને ઓચ્છણ ગામની વચ્ચે થી પસાર થતી સ્વિફ્ટ કારમાં આગ લાગતાં એક ઇસમ કારમાં જ ભડથું થઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવની મળતી માહિતી મુજબ અંકલેશ્વર ગામે રહેતા અને સિવિલ કોન્ટ્રાક્ટનું કામ કરતાં અલ્પેશ અમૃતલાલ પટેલનું વાગરા તાલુકાના ત્રાંકલ અને કેશવાણ ગામે કામ ચાલતું હોય જ્યાં ગયેલ હતા. ત્યાંથી તેઓ બપોરના સમયે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ વાગરા તરફ આવી રહ્યા હતા. દરમ્યાન ઓચ્છણ અને કેશવાણ ગામ વચ્ચે કોઈ અગમ્ય કારણસર તેઓની ગાડીમાં અચાનક આગ લાગતાં ગાડી લોક થઈ જતાં અલ્પેશભાઈ બહાર નીકળી શક્યા ન હતા. શરીરે ગંભીર રીતે દાઝી જતાં અલ્પેશ પટેલનું મૃત્યુ થયું હતું. બનાવ સંદર્ભે જાણ થતાં વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
