જામનગરના ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા કોરોના મહામારીને લઈને ક્લાસીસ સંચાલકોને ક્લાસીસ ખોલવા, પ્રોપર્ટી ટેકસ માફ, વીજ બિલ માફ કરવા સહિતના રાહત પેકેજની માંગણી કરતા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશનના નેજા હેઠળ જામનગરના ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ જામનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ હતું કે, હાલ કોરોના નબળો પડી રહ્યો છે અને બધા વેપાર ધંધા ધીરે ધીરે શરૂ થઈ રહ્યા છે, ત્યારે ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવામાં આવે તેમજ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને પ્રોપર્ટી ટેક્સ માફ કરવા, લાઇટ બિલમાં રાહત આપવા અને ક્લાસીસ સંચાલકો માટે રાહત પેકેજ આપવા પણ સરકાર સમક્ષ આવેદન પત્ર આપી માંગણી કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાભરમાં 700થી વધુ ટ્યુશન ક્લાસીસ આવેલા છે, અને 20 હજાર જેટલા લોકો આ ટ્યુશન ક્લાસીસ પર નભે છે, ત્યારે કોરોના કાળમાં ટ્યુશન ક્લાસીસ બંધ હોવાથી કેટલાક ટ્યુશન ક્લાસીસના સંચાલકોની આર્થિક હાલત કફોડી થવાના કારણે પાણિપુરી, શાકભાજી સહિતની લારીઓ ક્લાસીસના સંચાલકો અને શિક્ષકોએ કાઢવી પડી હતી. તેવામાં હવે જામનગર જિલ્લા વહીવટી તંત્ર આ મામલે વહેલી તકે નિરાકરણ લાવે તેવી જામનગરના ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ માંગ કરી છે.