IPL 2023 ની 50મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી અને ડુ પ્લેસિસે પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.
વિરાટ કોહલી IPL 2023માં 9 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 9 ઇનિંગ્સમાં 45.50ની એવરેજ અને 137.88ની સ્ટ્રાઇક રેટથી 364 રન બનાવ્યા હતા. તે ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ યાદીમાં બીજા નંબર પર શિખર ધવન છે જેણે 212 ઇનિંગ્સમાં 6536 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબરે ડેવિડ વોર્નર, ચોથા નંબરે રોહિત શર્મા અને પાંચમા નંબરે સુરેશ રૈના છે.
દિલ્હી તરફથી અક્ષર પટેલે બીજી ઓવર કરી હતી. આ ઓવરના પાંચમા બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો અને તેના 12 રન પૂરા થયા હતા. વિરાટ કોહલીએ મેચમાં 12 રન બનાવતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તે IPLના ઈતિહાસમાં 7000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા કોહલીએ IPLમાં 232 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 224 ઇનિંગ્સમાં 36.59ની એવરેજ અને 129.58ની સ્ટ્રાઇક રેટથી 6,988 રન બનાવ્યા હતા. કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 5 સદી અને 49 અડધી સદી ફટકારી છે.
IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
વિરાટ કોહલી: 7000* રન
શિખન ધવન: 6536 રન
ડેવિડ વોર્નર: 6189 રન
રોહિત શર્માઃ 6063 રન
સુરેશ રૈના: 5528 રન