AMC દ્વારા શરુ કરવામાં આવેલી એડવાન્સ ટેક્સ રીબેટ યોજના હેઠળ ૩૧ મે સુધીમાં ૪.૩૨ લાખ લોકોએ લાભ લેતા તંત્રને મિલકતવેરા પેટે ૪૪૧.૭૪ કરોડ આવક થવા પામી હતી.શહેરમાં બાકી રહેતા ૧૬ લાખ કરદાતાઓ પણ આ યોજના હેઠળ મિલકતવેરો ભરે એ માટે ટેક્સ વિભાગ તરફથી પત્ર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ પત્ર લખવાની કરદાતાઓ મિલકતવેરો ભરવા આગળ આવશે
૨૨ એપ્રિલથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનાના સમય માટે એડવાન્સ ટેકસ રીબેટ યોજના અમલમાં મુકવામાં આવી છે.આ યોજનાના ૨૧ મે સુધીના પહેલા તબક્કામાં કુલ ચાર લાખ લોકોએ અને ૩૧ મે સુધીમાં વધુ ૩૨ હજાર એમ કુલ મળીને ૪.૩૨ લાખ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ વધુ કરદાતાઓ લાભ લે એ માટે બાકી રહેલા રહેણાંક અને કોમર્શિયલ એમ બંને પ્રકારની મિલકત ના કરદાતાઓને મિલકત વેરો ભરી વધુ વળતર મેળવવા વ્યક્તિગત પત્ર લખવામાં આવશે.
જેના કારણે કરદાતાને વધુ વળતર મળે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થાય.કરદાતાઓને ટેકસ વિભાગ તરફથી જે પત્ર મોકલવામાં આવશે એમાં ટેનામેન્ટ નંબરની સાથે વર્ષ-૨૦૨૨-૨૩માં ભરવાની થતી ટેકસની રકમની સામે કેટલુ વળતર મળી શકશે એની વિગત પણ મોકલવામાં આવશે.હાલમાં ૨૧ જુન સુધી ૯ ટકા વળતરની જોગવાઈ છે.ઓનલાઈન ટેક્સ ભરનાર કરદાતાને એક ટકો વધુ વળતર અપાશે.પહેલા તબક્કામાં જે મોટી રકમના કરદાતાઓ છે એમને પત્ર લખવામાં આવશે.
