ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. ગુજરાતના રાજકીય વાતાવરણમાં તેની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ ગુજરાતમાં પાટીદાર આગેવાનોમાં મોટું નામ ધરાવતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે, તેવી ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે.
જોકે, આ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પરત ખેંચ્યા છે. પાટીદાર નેતાઓ દ્વારા અનેક વખત માગ કરાઈ હતી. રાજ્ય સરકાર કેસ પરત ખેંચવા સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે. તા. 15 એપ્રિલે આ અંગે કોર્ટમાં સુનાવણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસ અને PAASના આગેવાનો ખોડલધામ ખાતે બેઠક યોજાય હતી. જેમાં નરેશ પટેલના રાજનીતિમાં જોડાવા અને પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા પર ચર્ચા થઇ હોવાનું મનાઇ રહ્યું છે, ત્યારે હવે આજે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય ચૂંટણી લક્ષી હોવાની વાત પણ સામે આવી રહી છે, ત્યારે હવે કેસ પરત ખેંચવામાં આવતા પાસ અને આંદોલન સાથે સંકળાયેલ સંસ્થાએ આ નિર્ણંયને આવકાર્યો છે.
