ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સત્રાંત નિવૃત્ત, વયનિવૃત્ત તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર પ્રાથમિક શિક્ષકોના સન્માન સાથે નિવૃત્તિ વિષયક લાભોના હુકમો વિતરણનો વિશેષ કાર્યક્રમ તા. 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 77 જેટલા નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોને તેમના નિવૃત્તિ લાભોના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયત દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમના માધ્યમથી નિવૃત્તિ સંબંધિત કામગીરી સરળ, પારદર્શક અને સુવ્યવસ્થિત બને તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના પરિણામે નિવૃત્ત શિક્ષકોને નિવૃત્તિના લાભો મેળવવા માટેની વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલબા રાજ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિષાબેન પટેલ, શાસક પક્ષના નેતા મગનભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બંને શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રી અને  અન્ય મહાનુભાવો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

નોંધનીય છે કે, શિક્ષક પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન શિક્ષણના માધ્યમથી અનેક પેઢીઓનું ઘડતર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ત્યારે નિવૃત્તિના સમયે તેમને મળવાપાત્ર લાભોના હુકમો સમયસર અને સરળતાથી મળે તે દિશામાં જિલ્લા પંચાયતનો આ પ્રયાસ નિવૃત્ત શિક્ષકો માટે રાહતરૂપ બન્યો છે.આ કાર્યક્રમ દ્વારા નિવૃત્ત શિક્ષકોની વર્ષોની સેવાઓ પ્રત્યે આભાર અને સન્માનની લાગણી વ્યક્ત કરવાની સાથે તેમના નિવૃત્ત જીવનની નવી સફર માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.