ભરૂચના દહેજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ 29 એપ્રિલના રોજ સગીરાને અચાનક પેટમાં સખત દુખાવો ઉપડતા પિતા અને પરિવારજનો તેને સારવાર માટે દહેજ ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. જે બાદ 30 એપ્રિલે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી. રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
બીજા દિવસે બપોરે દુખાવો વધતા સગીરાને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા-પિતાએ પૂછપરછ કરતા સગીરાએ હકીકત જણાવી હતી કે, અજીતભાઈ પટેલનો ભાણેજ હસમુખ ઉર્ફે હસ્સો જીતેન્દ્રભાઈ પરમાર મૂળ રહે જંબુસર ટંકારી બંદરની તેની સાથે પ્રેમસંબંધમાં હતો.
હસમુખે સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી. આરોપી હસમુખ છેલ્લા એક વર્ષથી દહેજમાં તેના મામાના ઘરે રહીને કંપનીમાં નોકરી કરતો હતો.
દહેજ પોલીસે આદિવાસી સમાજની 15 વર્ષીય સગીરા સાથે આચરવામાં આવેલા આ દુષ્કર્મ મામલે પિતાની ફરિયાદ આધારે હસમુખ પરમાર વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.