ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સુરત સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનર સંજય ડી. વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઈ હતી.બેઠકમાં ચારેય નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન નગરપાલિકાઓની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.ખાસ કરીને શહેરોના રોડ-રસ્તા, સ્વચ્છતા, નાગરિક સુવિધાઓ તેમજ નગરપાલિકાને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પેન્ડિંગ કામગીરીનો ઝડપથી નિકાલ કરવા તેમજ પ્રજાલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે પ્રાદેશિક કમિશનરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિકાસલક્ષી કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સમયસર જરૂરી સુવિધાઓ મળી રહે તે અંગે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.