ભરૂચના આમોદ પંથકનો બનાવ
વીજ પોલ મુદ્દે વિવાદ સર્જાયો
વીજ કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ
ખેડૂતોએ કર્યા ધાકધમકીના આક્ષેપ
વીજ કંપનીએ આક્ષેપ ફગાવ્યા
ભરૂચના આમોદ તાલુકાના દાંડા ગામે વીજ પોલ મુદ્દે ખેડૂત અને વીજ વિભાગ સામસામે આવી જતા વિવાદ જોવા મળ્યો હતો. ભરૂચના આમોદ તાલુકાના દાંડા ગામે ખેતરમાં નમી ગયેલા વીજ થાંભલા અને નવા થાંભલા ઉભા કરવાની કામગીરીને લઈને ખેડૂત અને વીજ વિભાગ વચ્ચે વિવાદ સર્જાયો હતો.
ખેડૂત નિલેશ પટેલના જણાવ્યા મુજબ, ખેતરમાં નમી ગયેલા વીજ થાંભલાને સીધો કરવા માટે માર્ચ મહિનામાં વીજ કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ કચેરી ખાતે રજૂઆત દરમિયાન અધિકારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે.ખેડૂતનો વધુમાં આક્ષેપ છે કે, સ્થળ પરની મુલાકાત દરમિયાન તેમને નોટિસ આપવાની વાત કરી ધાકધમકી આપવામાં આવી હતી જોકે, વીજ વિભાગે ખેડૂતના આક્ષેપોને નકારી પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
વિભાગના જણાવ્યા મુજબ, તા. 10 સપ્ટેમ્બરે ખેડૂત રજૂઆત કરવા આવ્યા હતા. તેમની રજૂઆત સાંભળ્યા બાદ લાઇનની સલામતી માટે જરૂરી નવા વીજ થાંભલા અંગે સંમતિ આપવા સમજાવવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂત દ્વારા સંમતિ આપવામાં આવી નહોતી.વિભાગે જણાવ્યું કે, તે જ દિવસે સ્થળ તપાસ કરી નમી ગયેલો થાંભલો સીધો કરી વીજ લાઇન વ્યવસ્થિત કરવામાં આવી હતી. સાથે જ લાંબા ગાળે ચોમાસા દરમિયાન સમસ્યા ન સર્જાય તે માટે નિયમ મુજબ નવો થાંભલો ઉભો કરવો જરૂરી હોવાનું પણ જણાવાયું છે.
