ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનની દિવાલનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. જોકે, ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારમાં આવેલી માલજીવાલા ખડકી ખાતે રહેતા યુસુફ હાસીમ માલજીવાલાના મકાનમાં હાલ કોઈ રહેતું નહોતું. તેનો ઉપયોગ માત્ર ઘરવખરી અને ખાદ્ય-સામગ્રી રાખવા માટે થતો હતો.

જોકે, વરસાદ વચ્ચે મકાનની દિવાલ તૂટી પડતા અંદર રાખેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ અને તલાટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.