કુર્ગમાં વેકેશન માણવા ગયેલા સુરતના પરિવાર પર આફત
બોટિંગ દરમિયાન પલટી મારી નાવડી, પતિ-પત્નીના મોત
બે બાળકોનો સુરક્ષિત બચાવ
હાઇ-સ્પીડ વળાંક લેતી વખતે બોટ પલટી
ધર્મેશ નાયક અને નિમ્મી નાયકનું બોટની નીચે ફસાઈ જવાથી દર્દનાક મૃત્યુ
કર્ણાટકના કુશાલનગરથી એક હૃદયદ્રાવક ઘટના બની હતી. વેકેશન મનાવવા ગયેલા સુરતના એક પ્રવાસી પરિવાર માટે આનંદનો માહોલ પળભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.
કર્ણાટકના પ્રખ્યાત હારંગી બેકવોટર્સમાં બોટ પલટી જવાની દુર્ઘટનામાં સુરતના એક દંપતીનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જ્યારે સદનસીબે તેમના બંને બાળકોનો આબાદ બચાવ થયો છે.
સુરતનાપાલ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ નાયક અને તેમના પત્ની નિમ્મીબેન નાયક પોતાના બે બાળકો મનોજ અને દિવંસી સાથે કર્ણાટક પ્રવાસે ગયા હતા. આ પરિવાર કુશાલનગર નજીક હારંગી ડેમ પાસે આવેલા બેકવોટર્સમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સની મુલાકાતે પહોંચ્યો હતો. પરિવાર જ્યારે બોટિંગની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન અચાનક બોટે તીવ્ર વળાંક લેતા તેનું સંતુલન બગડ્યું અને બોટ પાણીમાં પલટી ગઈ હતી.
બોટ પલટી ખાતા જ તેમાં સવાર ચારેય સભ્યો પાણીમાં ફંગોળાયા હતા. સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમે પાણીમાં તરતા બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. પરંતુ, ધર્મેશભાઈ અને નિમ્મીબેન પલટી ગયેલી બોટની બરાબર નીચે ફસાઈ ગયા હતા. લાઈફ જેકેટ પહેરેલા હોવા છતાં બોટના વજન અને પાણીના પ્રવાહને કારણે તેઓ બહાર આવી શક્યા નહોતા, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ દંપતીના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તથા જરૂરી કાર્યવાહી અર્થે કુશાલનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સુરત ખાતે રહેતા પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
