ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં રસ્તા વચ્ચે સીટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. શહેરના વ્યસ્ત પાંચબત્તી વિસ્તારમાં સીટી બસ અચાનક રસ્તાની વચ્ચે જ બંધ પડી જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના પગલે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા.

આ ટ્રાફિકજામની સ્થિતિમાં ઇમરજન્સી સેવા માટે દોડી રહેલી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. રસ્તા પર વાહનોની અવરજવર ખોરવાતા ટ્રાફિકની સમસ્યા વધુ વણસી હતી. બીજી તરફ, વારંવાર સીટી બસો રસ્તા વચ્ચે ખોટકાવાની ઘટનાઓ સામે આવતાં બસોની જાળવણી અને ટેકનિકલ ચકાસણી સામે પણ સવાલો ઊભા થયા છે. જાહેર પરિવહનની બસોની યોગ્ય જાળવણી કરવામાં આવે અને આવી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.