ભરૂચના રાજકારણમાં ગરમાવો

આપના પ્રભારી ગોપાલ રાયની મુલાકાત

જેલમાં બંધ પિયુષ પટેલના પરિવારને મળ્યા

કાયદાકીય સહાય આપવાની ખાતરી

ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

ગુજરાત આપના પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે આજે ભરૂચની મુલાકાત દરમિયાન જેલમાં બંધ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પરિવારને કાયદાકીય તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.ગોપાલ રાયે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રાજકીય દ્વેષભાવના રાખીને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ખોટા કેસ નોંધાવી તેમને જેલમાં મોકલી રહી છે.

તેમણે કહ્યું કે ચૈતર વસાવાની લડાઈમાં જે લોકો સાથ આપે છે, તે તમામને નિશાન બનાવી જેલમાં પુરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત ત્રણ આગેવાનો ઝઘડિયા સ્થિત એક કંપનીમાં થયેલી મારામારી અને ટ્રેસપાસિંગના ગુનામાં હાલ જેલમાં બંધ છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી આ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનું કહી રહી છે.