પોલીસકર્મી પર ચપ્પુથી આરોપીનો હુમલો

સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરી આરોપીને દબોચ્યો

લૂંટને અંજામ આપનાર આરોપીને પગમાં વાગી ગોળી

ઈજાગ્રસ્ત એએસઆઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ

લિંબાયતમાં છ મહિનામાં પોલીસ ફાયરિંગનો બીજો બનાવ  

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મધરાતે પોલીસ અને લૂંટારુ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરીને એક આરોપીને ઝડપી લીધો છે.

સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ નજીક અંધારામાં ઉભેલો એક શખ્સ પોલીસની ગાડી જોઈને ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસના જવાનોએ વાનમાંથી ઉતરીને તેનો પીછો કર્યો હતો અને તેને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની ટીમ આરોપીની નજીક પહોંચી ત્યારે પોલીસકર્મીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બચવા માટે આરોપીએ કમરમાંથી ચપ્પુ કાઢી પોલીસ  પર હુમલો કર્યો હતો, જેનાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ વણસતા પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.ચૌધરીએ આરોપીને ચપ્પુ નીચે મૂકી દેવાની ચેતવણી આપી હતી,અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. છતાં આરોપી ચપ્પુ લઈને પીઆઈ તરફ ધસી આવતા સ્વબચાવમાં પોલીસે તેના પગ તરફ ગોળી ચલાવી હતી.

ગોળી વાગવાથી આરોપી સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને પોલીસે તેને કાબૂમાં લીધો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ચપ્પુના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ASI અનીલકુમારને સારવાર માટે લિંબાયતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગોળીથી ઘાયલ થયેલા આરોપી પરવેઝ મુશરફ અન્સારીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીએ પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે લૂંટના કેટલાક મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે અને ફરાર સાગરિતને પકડવા અલગ-અલગ ટીમો કાર્યરત કરી છે.