અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ પુણેમાં ફરિયાદ દાખલ થઈ છે. અભિનેત્રી પર આ કેસ નેહરુ-ગાંધી પરિવારના લોકો વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને થયો છે. પાયલ રોહગતી સામે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ કથિત રીતે વાંધાનજક શબ્દોનો ઉપયોગ કરવાનો આક્ષેપ છે.

પાયલ પર આ કેસ તેણીની એક સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને કરવામાં આવ્યો છે. જોકે, આવું પ્રથમ વખત નથી જ્યારે અભિનેત્રી પાયલ રોહતગી પોતાના સોશિયલ મીડિયા વીડિયોને પગલે વિવાદમાં આવી હોય. એએનઆઈને મળેલી જાણકારી પ્રમાણે પાયલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પાયલે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

અભિનેત્રી પાયલ વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (a), 500, 505(2) અને 34 અંતર્ગત કેસ દાખલ કરાયો છે. પાયલ વિરુદ્ધ પુણેની કૉંગ્રેસ કમિટી દ્વારા શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 36 વર્ષીય અભિનેત્રી વિરુદ્ધ આ પહેલા સોશિયલ મીડિયા પોસ્ટને લઈને દેશના અનેક શહેરમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પુણે શહેર કૉંગ્રેસ પ્રવક્તા રમેશ અય્યરે આ મામલે જણાવ્યું કે, “પાયલ રોહગતી અવારનાર ગાંધી-નહેરુ પરુવાર વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતી રહે છે. તાજેતરમાં અમને આવી જ એક પોસ્ટ અંગે માલુમ પડ્યું હતું. કદાચ આ તાજેતરની જ પોસ્ટ છે. આ સંદર્ભે અમે એક કેસ શિવાજી નગર પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે.”