અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્સમાં તાજેતરમાં બે યુવાનો વચ્ચે થયેલી મારમારીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો હતો. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકમાં જ બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસે જાહેરમાં માફી મંગાવી હતી.
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરીયા માં યુવાનો કોઈપણ પ્રકારના ડર કે શરમ વગર જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા હતા અને છૂટા હાથે મુક્કાબાજી કરી હતી. આ આડેધડ ચાલતી મારામારીના દ્રશ્યો કોઈ રાહદારીએ મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને કોમ્પ્લેક્સના વેપારીઓ તથા રાહદારીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. પોલીસે વાયરલ વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે ભોગ બનનારને શોધી કાઢી તેની ફરિયાદ નોંધી હતી. પોલીસે ગણતરીના સમયમાં જગદંબા રામજશ પ્રસાદ રહે. વિજયનગર, ગડખોલ પાટિયા, અંકલેશ્વર) અને વાસુરામ વક્તાજી દવે (રહે. ક્રિષ્ના સોસાયટી, મીરાનગર, સારંગપુર) ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે અંગત અદાવત અને જૂની બાબતોને લઈને ઝઘડો થયો હતો. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કાયદાનો ડર બેસાડવા પોલીસે તેમની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી.
