ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરી એક સપ્તાહથી નાસતા ફરતાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને આખરે મધ્યપ્રદેશના ઉજજૈનમાંથી ઝડપી લેવાયો છે. ઉજજૈનમાં મહાકાલના દર્શન કરવા આવેલા વિકાસ દુબેની ધરપકડ કરી તેને હાલ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજયોની પોલીસ વિકાસ દુબેને શોધતી હતી.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેએ એક સાથે આઠ પોલીસ કર્મચારીઓને ગોળી મારી ઠાર મારતા સરકારના માથે માછલા ધોવાઇ રહયાં હતાં. ફરાર થઇ ગયેલાં વિકાસ દુબેને ઝડપી પાડવા ઉત્તરપ્રદેશની પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી. દરમિયાન વિકાસ દુબે આઠ હત્યાઓ કર્યા બાદ મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાલના દર્શન માટે પહોંચ્યો હતો. જયાં તેણે મંદિર પરિસરમાં પોતે વિકાસ દુબે હોવાની બુમરાણ મચાવી દેતાં મંદિરના સિકયુરીટી ગાર્ડસ દોડી આવ્યાં હતાં અને તેને ઝડપી પાડયો હતો. બનાવ અંગે મહાકાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે તેનો કબજો મેળવી હાલ અજ્ઞાત સ્થળે લઇ ગઇ છે. બીજી તરફ પોલીસે 7 દિવસમાં વિકાસ દુબે ગેંગના 5 બદમાશોનું એન્કાઉન્ટર કરી નાંખ્યાં છે. પોલીસે બુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટ કરી દીધું હતું. અમર હમીરપુરમાં છુપાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના 5 લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે.