રાજ્યમાં વાવાઝોડા બાદ પ્રથમ વાર કેબિનેટની બેઠક મળી હતી જેમાં વાવાઝોડાના કારણે રાજયમાં થયેલ નુકશાન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વાવાઝોડા બાદ હજુ પણ 450 જેટલા ગામોમાં હજુ અંધારપટ હોવાનું બહાર આવ્યું છે.
રાજ્યમાં વાવાઝોડા બાદ પ્રથમ વાર કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં થયેલ નુકશાન પર ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને વીજ પોલ મોટી સંખ્યામાં ધરાશાયી થયા હતા વાવાઝોડાથી 10,447 ગામમાં વીજપુરવઠો ખોરવાયા પછી 9900 ગામમાં પુન:કાર્યરત થઇ ગયો છે, પણ અઠવાડિયાનો સમય વીતી ગયા પછી પણ 450 ગામમાં અંધારપટ છવાયેલો છે.
કેબિનેટ પછી મીડિયાને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદું સંયુકત રીતે જણાવ્યું હતું કે 17થી 18 મે દરમિયાન 24થી 26 કલાક દરમિયાન 60થી લઇને 220 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં મોટે પાયે મકાનો, ઘરવખરી, સરકારી સંશાધનો, કૃષિ-બાગાયતી પાક, રોડ-રસ્તાને નુકસાન થયું હતું. વાવાઝોડાથી અસરગ્રસ્ત 2.25 લાખ લોકોને 10 કરોડની રોકડ રકમ રોજગારી પેટે 7 દિવસમાં ચૂકવાઈ છે. ઘરવખરી ગુમાવનાર 15 હજાર પરિવારને 7 હજાર ઘરવખરી પેટે ચૂકવાયા છે. બાકીનાને આગામી રવિવાર સુધીમાં ચૂકવાઈ જશે.
ઊર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વોટર વર્ક્સના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ વાવાઝોડને પરિણામે રાજ્યની 295 કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠાને અસર પડી હતી, તેમાંથી 291માં તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. બાકીની 4 હોસ્પિટલમાં બાકી છે. રાજ્યના 3205 પૈકી 3057 જેટલા અસરગ્રસ્ત મોબાઇલ ટાવરને પુન:કાર્યરત કરાયા છે.
66 કે.વી.નાં 219, 132 કે.વી.નાં 5 અને 220 કે.વી.નાં 6 સબસ્ટેશનોને પૂર્વવત કરવા મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓને તહેનાત કરાયા છે.220 કે.વી. લાઇનના 277 ટાવર, 66 કેવી લાઇનના 74 ટાવર અને 308 ડબલ પોલ સ્ટ્રક્ચર અને 132 કેવી લાઇનના 2 ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. કુલ 1,16,228 જેટલા વીજ થાંભલા, 45039 જેટલાં ટ્રાન્સફોર્મર અને કુલ 23,893 કિ.મી.ની વીજલાઇન ક્ષતિગ્રસ્ત થઇ છે જેનું સમારકામ ચાલી રહ્યું છે .