અમદાવાદ ઈન્ડિયા કોલોની વોર્ડમાં સોનિયા સિરામિકની ચાલીના એક મકાનમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે.તે ઉપરાંત આગ લાગી હોવાથી તેમાં મકાનની તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનામાં શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી તે જાણવા માટે FSL ની ટીમને પણ તપાસ માટે બોલાવી છે.
પરિવારના મોભી સવારે દૂધ લેવા ગયા હતા. ત્યારે ઘરમાં આગ લાગી હતી. તેમના ઘરે આવીને જોયું તો જયવીરસિંહ મકવાણા નામના બાળકો ગંભીર રીતે આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ નીકળી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તો સ્થાનિક લોકોએ આગ બુઝાવી દીધી હતી. જો કે અન્ય મકાનમાં પ્રસરતી આગને રોકવા ફાયર વિભાગની કામગીરી હાથ ધરી હતી.અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. કંટ્રોલ રૂમમાં મેસેજ હતો કે ગેસનો બાટલો ફાટવાથી આગ લાગી હોવાનો મેસેજ હતો પરંતુ ત્યાં જઈ અને બે બાટલા સહી-સલામત હતા. આ સમગ્ર ઘટનામાં જયવીર સુરેશ મકવાણા (ઉં.વ, 3) નામના બાળકનું દાઝી જવાથી મોત થયું છે. ત્યારે તેના માતા જયાબેન અને પિતા સુરેશભાઈ નો બચાવ થયો હતો.
