/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/01160243/maxresdefault-8.jpg)
રાજયમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ અત્યારથી ભાજપે શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે અમિત શાહની જ્યારે ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા બંને નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નિકટના માનવામાં આવે છે.
અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હવે જગદીશ પંચાલની જગ્યાએ અમિત શાહને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વિધાન સભાની ચૂંટણીમાં શહેરની 4 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો ત્યારે હવે ભાજપ તમામ બેઠકો મેળવવા પ્રયાસ કરશે તેમ નવા વરાયેલા પ્રમુખ અમિત શાહે દાવો કર્યો છે. અમિત શાહે શહેર પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહીત શહેરના તમામ હોદેદારો ઉપસ્થિત રહયા હતાં.
હાલમાં જ યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પૂર્વ મેયર અમિત શાહને તેમજ તેમના પુત્રને પણ ટિકિટ આપી ન હતી. ભાજપ દ્વારા બેથી વધુ વાર ચૂંટાયેલા અને નેતાઓના સગાઓની ટિકિટ નહીં આપવાનું નક્કી કરવામાં આવતા તેમના પત્તા કપાય ગયાં હતાં. ત્યારે તેમની નારાજગી સામે આવી હતી પણ પાર્ટી તેમને મનાવવામાં સફળ થઇ હતી. હવે પાર્ટીએ તેમની વફાદારીને બિરદાવી છે અને તેમને અમદાવાદ શહેર પ્રમુખનું પદ આપવામાં આવ્યું છે.